ગોરથી રાજગોર સુધી અગિયાર નૂખોનો અનોખો ઈતિહાસ

કચ્છી રાજગોર સમાજ વિષે જાણવા સૌ કોઈ ઉત્સુક હોય એ સ્વાભાવિક છે. ભારતને આઝાદી મળી ત્યારે 560 રાજાઓ હતા, અને એ દરેક રાજાને ગોર પણ હતા. પરંતુ કચ્છી રાજગોર સમાજને રાજગોરની પદવી કેમ મળી એ કોયડાના ઉકેલ માટે આજથી આઠવો વર્ષ પહેલાના ભૂતકાળે મમળાવીએ.

કચ્છીના ઇતિહાસ જામલાખો અને લાખીયાર નામના મહાપ્રતાપી રાજા થયા. એ બન્ને ભાઇઓ જોડીયા હોવાથી જાડા તરીકે ઓળખાતા, એમના વંશજો "જાડાના’ એટલે કે કચ્છી ભાષામાં જોડેજા કહેવાયા. 

આ જામ રાજાને સાત કન્યા, સાતે કન્યાના સગપણ માટે ગયેલ ગોર, યોગ્ય મુરતિયા ન મળવાથી નિરાશ થઈને પરત આવ્યો. જામલાખો આ બનાવથી અતિ ખિન્ન થયા. પિતાને દુ:ખી જોઈ સાતે સાત કન્યાઓને સત ચડ્યો! અને સાતે સાત અગ્નિ પ્રવેશ કરવા તૈયાર થઈ. જીવતા અગ્નિ સ્નાનથી જીવની અવગતિ થાય,. પરંતુ શાસ્ત્રોક્ત વિધીથિ જો અગ્નિપ્રવેશ કરવામાં આવે તો સદ્ગતિ થાય, એ માટે યોગ્ય ભદેવની શોધ થઈ. આખરે ગોહિલવાડના પુરોહિત હરદાસ વાસુદેવ એમના બે જમાઈને ગોર પદવી મળે તે શરતે, આ વિધિ કરાવવા તૈયાર થયા. આ વિક્રમ સંવત 1207ના માઘ સુ 5ને સોમવારના ચડતા પહોરે સાત કન્યા આ વિધિ કરાવનાર પુરોહિત હરદાસ વાસુદેવ સજોડે અગ્નિ પ્રવેશ કરી જીવનનો અંત આણ્યો ! ત્યારથી જાડેજા   કરવાનો રિવાજ આવ્યો. જે અંગ્રેજ સરકારે બંધ કરાવ્યો. શરત મુજબ હરદાસ પુરોહિતના બે જમાઈ (કોઈ દોહિત્ર માને છે) કરણથી નારાયણજીને ગોર પદવી મળી. કરણજીના વંશજો રાજગોર અને નારાયણજીના વંશજો જામગોર કહેવાયા! આમ કરણજી અને નારાયણજી રાજગોર સમાજના આદ્યસ્થાપક ! 

કરણજીના પુર્વજો મહાપ્રતાપી હતા. એમના પિતા કર્ણવજી વે પુરાણોના જાણકાર હતા, કર્ણવજીના પિતા જોષીજી બ્રાહ્મણોના શિરમોર ગણાતા હતા. એમને કાઠિયાવાડમાં શિહોર ગામ જાગિરમાં મળ્યું હોવાથી એમના વંશજો સિહોરા જોષી કહેવાતા. જોષીજીના પિતા ધરણીયોજી મૂળરાજ સોલંકીના વખતમાં સિદ્ધપુર આવ્યા હતા. જ્યાં એમનું બહુમાન થયું હતું. ધરણીયોજીના પિતા ઘાંઘ અને ધાંધની ચોર્યાસીમી પેઢીએ પૂર્વજ ગર્ગાચાર્ય આવે છે, ગર્ગાચાર્યના પિતા ભગિરથ થાય. ભગિરથના અનુજ દ્રોણાચાર્ય જે પાંડવો અને કૌરવોના ગુરૂ હતા. ભગિરથથી બાસઠ પેઢી પૂર્વે ભરદ્વાજ હતા. ભરદ્વાજના પિતા ૠષી ભારદ્વાજ જે ચંદ્રવંશના પુરોહિત હતા. ભારદ્વાજ અમારો ગૌત્ર, ભારદ્વાજ અમારા યુગપુરૂષ !!

આવો તેજસ્વી પુર્વજોના વંશજ કરણજીને ત્રણ પુત્રો; નારસંગજી, સારંગજી અને ત્રિકમજી, જ્યાર એક કન્યા કુંવરબાઈ. કુંવરબાઇને ભૃગુમુનીના વંશજ અને મા વારાહિના ભક્ત એવા યોગ્ય બ્રાહ્મણ સાથે પરણાવી. કન્યાદાનમાં જેસર રાજપૂત આપ્યા. આથી કુંવરબાઇના વંશજો રાજગોર સમાજમાં જેસરેગોર તરીકે ઓળખાય છે. નારસંગજી અને સારંગજીના વંશજોને જામ દેદાની ગોરની પદવી મળી અને ત્રિકમજીને જામ ઓઠાની ગોર પદવી મળી અને ત્રિકમજી માયોજી થયા અને માયોજીના દેવાણંદજી થયા. દેવણાનંદજીના ત્રણ પુત્રો શુભ્રમજી, મોમિયોજી અને જગોજી. જેમા મોમિયોજી અને જગોજીની પાંખડી ચાલી નહિ. જ્યારે શુભ્રમજીના જોષી અને કુરપાર થયા. જોષીજીના બે પુત્રો દેરાજ અને આશોજી. આ આશોજીના વંશજો આશારિયા અટકથી ઓળખાય છે. જ્યારે દેરાજના પાંચ પુત્રો શ્રીધરજી, માલોજી, વીરોજી, ઉગોજી, દેવાણજી. જેમાં દાવણજીનો વંશ ન ચાલ્યો. માલોજીના માલણી, વિરોજીના વિરાણી અને ઉગોજીના ઉગાણી તરીકે ઓળખાય છે. શ્રીધરજીના સૂત માંકોજી મહાબળવંત અને મા ભગવતીના પરમ ભક્ત હતા! કચ્છના કુંવર ભારમલજીને ગળામાં અટકેલ સોપારી, મા ભગવતીની કૃપાથી ગળાની નીચે ઉતારી કુંવરનો જીવ બચાવ્યો, એના ઈનામમાં માંકોજીને કચ્છમાં નખત્રાણા તાલુકાનું ભીટારા ગામ દાનમાં મળ્યું હતું. માંકોજીના વંશજો માકાણી  અમે વંશજો રાજગોર સમાજમાં માકાણી તરીકે ઓળખાઈએ છીએ. માંકોજીના સુત ગણપતજી. મા ભગવતીના પરમ ભક્ત હતા, માંકોજીના પ્રપૌત્ર કમોજીને શુરા દાદા તરીકે એમના વંશજો પૂજે છે. માંકોજીના પરિવારમાંથી નાથોજી મસ્કામાં વસવાટ કર્યો. એમના વંશજો નાથાણી તરીકે ઓળખાય છે.

હવે કુરપારની પાંખડી પર નજર કરીએ, કુરપારના છ પુત્રો ; જેમાં બે નિર્વંશ જતાં ચારનો પરિવાર છે. કેશોજીના કેશવાણી, અજોજીના અજાણી, ઝાંઝોજીના ઝાંઝાણી અને પેથોજીના પેથાણી તરીકે પ્રખ્યાત છે. કેશોજીના મોભીને શિણાય આપી એટલે પરિવાર શિણાઈ તરીકે ઓળખાય છે. આમ જોષી કુરપારના નવ નુખ કહેવાય છે. આશારિયા, કેશવાણી, અજાણી, ઝાંઝાણી,  પેથાણી, માકાણી, માલાણી, વિરાણી અને ઉગાણી. આ આ નવ અટકનો ગોત્ર ભારદ્વાજ. શાખા માધ્યની, પ્રવર અંગિરસ - બ્રહ્સપતિ અને ભારદ્વાજ. મહાદેવ સિદ્ધેશ્વર. ગણપતી, મહોદર અને કુળદેવી મહામાયા-મોમાયા, જે સાંઢણીવાળા મા તરીકે ઓળખાય છે.

કરણજીના પરિવાર વિશે આટલી વાત કર્યા પછી હવે નારાયણજીને યા કરીએ. 

નારાયણજી ઓધવજી. હરદાસ પુરોહિતની દિકરી કમાબાઈને વરેલ હતા. કોઈ નારાયણજીને હરદાસ પુરોહિતના દોહિત્ર તરીકે ઓળખાવે છે. પરંતુ એટલું તો નક્કી છે કે નારાયણજી ઓધવજીનું વતન ભાવનગર તાબાનું ઈશામલિયા ગામ હતું. જ્ઞાતિએ ઔદિચ્ય, કૌશિક ગૌત્ર અને મા હિંગલાજ કુળદેવી. કરણજી અને નારાયણજી હિંગલાજ પીરસવા ગયા હતા. અને રસ્તામાં હરદાસ પુરોહિતના મહેમાન બન્યા અને સંબંધથી જોડાયા. નારાયણજીના  હેમોજી થયા. હેમોજીના આશોજી અને ખેતોજી. ખેતોજી જામ રાવળજી સાથે હાલાર જતાં એમનો પરિવાર હાલરમાં ખેતિયો તરીકે ઓળખાય છે. આશોજીના જેઠોજી અને જેઠોજીના નાકરજી થયા. નાકરજીના વંશજો નાકર તરીકે ઓળખાય છે. 

આ નાકરોમાં એક તેજસ્વી પાંખડી મોનારી નાકર છે. નારાયણજીનો એક વંશજ ભીમજી જામનગરની બાજુમાં ધ્રોળમાં રહેતા હતા. ભીમજીના બે દીકરા જેઠોજી અને ખીમજી. ગરાસની તકરારમાં જેઠોજીને ભાઈઓએ તલવારથી મારી નાખ્યા, આજે પણ ધ્રોળમાં રાજગોર ફળિયામાં જેઠોજીનો પારીયો છે. જેઠોજીના સગીર દિકરા મોનજીનો ધ્રોળ દરબારે ભાઈઓથી બચાવવા તેરા જાગીરમાં મોકલી આપ્યો. ધ્રોળ ઠાકોર અને તેરા ઠાકોર માસિયાઈ ભાઈ હતા. મોનજી તેરા દરબારમાં ભણીગણીને મોટા થયા. તેરા દરબારની ભલામણથી મોનજીનું સગપણ અને લગ્ન કોઠારામાં જેઠાણી રાજગોરોમાં થયું. લગ્ન વખતે કન્યાદાનમાં જે જગ્યા મોનજીને મળી હતી. એમાં આજ માં હિંગલાજ બિરાજે છે. તેરા, ભુજ, સાંધવ, કોઠારા અને વિઢ વગેરે ગામોમાં મોનજી જેઠાનો પરિવાર વસે છે.

નારાયણજીની એક બીજી તેજસ્વી પાંખડી બાવા છે. હરભમજી જે હરભાઈ તરીકે ઓળખાતા હતા. એમના પાંચ સંતાનો કલ્યાણજી, ઓધવજી, ત્રિકમજી, હરનાથજી અને ગંગાધરજી.

એમાં ઓધવજી અતિ પ્રભાવશાળી હતા. કચ્છમાં જ્યારે અંગ્રેજ સેનાપતિ કેપ્ટન મૅક્મર્ડોએ ચડાઈ કરી. ત્યારે કચ્છ રાજે જે સુલેહ માટે પંચ મોકલ્યું હતું. એની આગેવાની ઓધવજી હરભાઈએ લીધી હતી. સુલેહની શરતો જાણી કચ્છ રાજવી ભારમલજી બીજા ખુશ થઇને બોલી ઉઠ્યા. "અઈત મુંજા બાવા જેડા અયો" (તમે તો મારા પિતા સમાન છો) ત્યારથી ઓધવજી હરભાઈ અને એમના ભાઈઓનો પરિવાર બાવા તરીકે પ્રખ્યાત છે. રાજગોર સમાજે પણ ઓધવજી હરભાઈનું બહુમાન કર્યું અને નાતજો સુરજ એવો ઈલકાબ આપ્યો. સાથે સાથે, ભુજની નાત ભેગી કરવા શીણાઈના સા સાથે બાવાનો સા પણ જરૂરી છે. એવો હક્ક આપ્યો. (સા એટલે ઢંઢેરો).

નારાયણજી ઓધવજીની પાંખડી ચાર છે. આશા નાકર, ખેતિયા નાકર, નાકર અને મુલિયો કાંથડ. આશા નાકરમાં મોનાણી નાકર આવે છે. ખેતિયા નાકર જામનગર બાજુ છે. ફક્ત નાકર પાંખડીઓ ભુજ તથા તેરામાં છે તથા મુલિયા કાંથડ નાકર સુથરી અને કોઠારામાં વસવાટ કરે છે.

કરણજી અને નારાયણજીને બેટી વહેવાર માટે સૌ પ્રથમ વડનગર-વીસનગરથી આવેલા મોતા વિપ્રોને રાજગોર સમાજમાં ભેળવ્યા. ઘણા માને છે કે મોતા સિંધમાંથી આવેલા છે અને ત્યાં મહેતા તરીકે ઓળખાયા હતા. અબડા રાજપૂત અને સુમરા, જે એ જમાનામાં હિંદુ ધર્મ પાળતા હતા. એમની યજમાનવૃત્તિ દાનમાં આપી. મોતા પારાશર મુનિના વંશજ છે. અને મા મંગળાજના પૂજક છે. મોતાઓ મા મંગલા સાથે મા આસારને પણ પુજે છે. મોભી દિકરાના બાલમોવારા મા આશારના ચરણમાં ઉતારેછે. મોતાઓ સૌપ્રથમ વિઝાણમાં આવ્યા હતા. પરંતુ ત્યાં એમનું અપમાન થતા વિંઝાણ ગામનું પામી તજી અને તેઓ મસ્કા, બાગ અને ગુંદયારીમાં સ્થિર થયા. મોતા મહેતામાં ઘણી પેટા અટકો પણ છે. જેમકે મુકદાણી, પસવાણી, જેરામણી, વીસાણી, ખીમાણી, ખેટઈ, શંકરવાળા વગેરે વગેરે...

પછી તો બેટી વહેવાર કરવા જે જે યોગ્ય બ્રાહ્મણો મળતા ગયા એમની સાથે બેટી વહેવાર કરતા ગયા અને રાજગોર બનાવતા ગયા. ફરાદીમાંથી ગૌતમ ગૌત્ર અને મા ભગવતીને ભજતા જોષી આવ્યા. કંડોડિયા બ્રાહ્મણોમાંથી કટેશ્વરી કુળદેવી અને ઉપમન્યુ ગૌત્ર ધરાવતા વ્યાસ આવ્યા. પુષ્કર્ણામાંથી બોડા અને નાગુ આવ્યા. વીઠા અને રાવળ પણ રાજગોર બન્યા. મુંદ્રા તાલુકાના બારઈ ગામના પાબુદાદાને પૂજતા અને મા ઘુંઘરના ઉપાસ ભટ્ટ પણ અમારા હમરાહી બન્યા.

આમ જોષી કુરપાર જેની નવ નુખ છે. તે જામગોર નાકર, મોતા, જેસરેગોર, જોષી, વ્યાસ, બોડા, નાગુ, વીઠા, રાવળ, ભટ્ટ વગેરે વગેરે અલગ અલગ ગોત્રના બ્રાહ્મણો દૂધમાં સાકર મળે તેમ મળી રોજગોર સમાજનો ગૌરવ વધારતા ગયા. અંતે ભગવાન ભોળાનાથને, સૃષ્ટિપાલક ભગવાન વિષ્ણુને સર્જક બ્રહ્માજીને અમારા ઈષ્ટદેવ અંગિરસ, બ્રહસ્પતિ અને ૠષિ બારદ્વાજને સૌ કુળ દેવી દેવતાઓને સતિ અને સુરાઓને ઈંકોતર પેઢીના પૂર્વજોને, હું , દંડવત્ત પ્રણામ કરી આ લેખને અલ્પવિરામ આપું છું.